Saturday, March 26, 2016

અફસોસ નથી

પ્રયાસો થતાં જ રહ્યા
ને મળ્યું લાંબા અંતરનું એક દિલ.
પ્રેમના તાતણે એવા બંધાતા જ
રહ્યા કે કદી તૂટે નહીં.
મળતાં જ રહ્યા પળે-પળે
ને પ્રેમના દીપ જલતાં જ રહ્યા દિન-રાત.
‘અફસોસ’ નથી આજે મને તારા નફરતનો,
પણ શીખ્યો ઘણો હું પ્રેમની દુનિયામાં કે
નફરત કરનારાઓ પણ ઘણા હોય છે.

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે

Friday, March 18, 2016

તો હું શું કરું?

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?

તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?

એકાદ એવી યાદ તો છોડી જવી હતી

એકાદ એવી યાદ તો છોડી જવી હતી
છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે
થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી